Close

સંસ્કૃતિ અને વારસો

છોટાઉદેપુર  આદિજાતિ જીલ્લો છે. છોટાઉદેપુરના મૂળ લોકો (આદિવાસી) ને રાઠવા કહેવામાં આવે છે. આ નામ તેમના જૂના નિવાસ ક્ષેત્ર પર થી પડ્યું છે, જેનું નામ  રથ હતું. છોટાઉદેપુરના તમામ તાલુકોમાં અને પંચમહાલ જીલ્લામાં પણ રાઠવા વસ્તી કરે છે. તેઓની  બોલી ને રાઠવી કહે છે.તેઓ ગુજરાતી પણ બોલે છે.  તેમનો  મુખ્ય વ્યવસાય કૃષિ છે. તેમના  ૫૬ કુળ છે, અને સમાન કુળ માં  લગ્ન પ્રતિબંધિત છે.

રાઠવા ઘણા દેવો અને દેવીઓની પૂજા કરે છે, પરંતુ બાબા પિથોરા રાઠવા સમુદાયના દેવતાઓમાં મુખ્ય છે, અને  તેમને ખુશ કરવા ઘરોમાં પેઇન્ટિંગ એકરવામાં આવે છે. તે રાઠવાનાં ઘરોની અંદર ત્રણ દિવાલો પર દોરવામાં આવે છે. તેઓ માને છે કે આ  પેઇન્ટિંગ કરવાથી ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ રહે  છે. તેઓ તેમના ઘરોની દિવાલો પર વાઘ, ઊંટ, હાથી વગેરેની રચનાનો ઉપયોગ કરે છે. તેમના પોતાના લોક-ગીતો અને લોક-કથાઓ છે. લગ્ન સમારંભ સમયે લોક ગીતો  ગાવામાં આવે છે. તહેવારો અને લગ્નો સમયે તેઓ નૃત્ય કરે છે અને સંગીત નો આનંદ લે  છે.

રાઠવા સમુદાયના મુખ્ય તહેવારો હોળી, દિવાસો, દશેરા, દેવ-દિવાળી અને અખાત્રીજ  છે.  મેળા  દરમિયાન  આદિવાસીઓની સાંસ્કૃતિક વૈવિધ્યતાને જોઈ શકાય  છે: પાવિજતપુરમાં તેલવ માતા મેળો, કવાંટ માં ઘેર મેળો, ડુંગરવાટ નો  મેળો, ઝૂજ, રાયસિંગપુર, છોટા ઉદેપુર, અમરોલ માં મેળાનું  આયોજન હોળી પછી કરવામાં આવે છે.

છોટાઉદેપુર માં સાપ્તાહિક બજાર ભરાય છે જેને હાટ કહે છે.  મોટાભાગના આદિવાસીઓ ની જરૂરિયાતો હાટ માં  પૂર્ણ કરે છે. અઠવાડિયાના દરેક દિવસ છોટા ઉદેપુરના આજુબાજુના વિસ્તારોમાં જુદા જુદા સ્થળોએ એક હાટ હોય છે. હાટ એ સંબંધીઓ અને મિત્રોને મળવા માટે ભેગા થવાની પણ જગ્યા છે. કપડા, શાકભાજી, અનાજ અને પશુધન, ધનુષ્ય અને તીરો, દાગીના, વાંસના આર્ટિકલ્સ, રાંધવાના વાસણો જેવી  વસ્તુઓ  હાટ માં  વેચાય છે.